પ્રકૃતિના ચાર કડવા નિયમો છે જે આજદિન સુધી સનાતન સત્ય સાબિત થયા છે.

પહેલો નિયમ
------------------
જો ખેતરમાં બીજ રોપવામાં ન આવે તો કુદરત ખેતરને નકામા ઘાસથી ભરી દેતી હોય છે. તેવી જ રીતે જો મનમાં સકારાત્મક વિચારોનું બીજારોપણ ન થાય તો પછી નકારાત્મક વિચારો આપોઆપ તેનું સ્થાન લઈ લે છે અને પછી મન નકારાત્મક વિચારોથી ભરાઈને એક ડસ્ટબીન બનીને રહી જાય છે. 

સાર :- મનને ક્યારેય નવરું નહીં રાખવાનું. મનને સકારાત્મક વિચારોમાં પ્રવૃત્ત રાખીને રચનાત્મક કાર્યમાં વ્યસ્ત અને મસ્ત રાખવાનું. જો એમ નહીં કરો તો મન માત્ર ડસ્ટબીન બની જશે. 

બીજો નિયમ
------------------
જેની પાસે જે હોય તે જ તે બીજાને આપતો રહે છે. 
ઉદાહરણ તરીકે:
સુખી માણસ સુખ જ વહેંચે 
દુ:ખી માણસ દુ:ખ જ વહેંચે 
જ્ઞાની માણસ જ્ઞાન જ વહેંચે 
ભ્રમિત થયેલો ભ્રમ જ ફેલાવે 
ડરેલો માણસ ડર જ વહેંચે 

સાર :- આથી જે હકારાત્મક વિચારો ફેલાવતો હોય કે જે સુખ, ખુશી, સંતોષ અને આનંદ વહેંચતો હોય તેની જ સંગત કરવી. નકારાત્મક વિચારો ફેલાવવાવાળાની સંગત કરવાથી તમારું મન પણ તેની સાથે સાથે એક ડસ્ટબીન જ બની જશે. 

ત્રીજો નિયમ
------------------
માણસે જે મળે તેને પચાવતા શીખવું જોઈએ. જો પચાવી ન શકો તો
ઉદાહરણ તરીકે:
ભોજન ન પચે તો રોગોનું ઘર થાય 
પૈસા ન પચે તો દેખાડો અને દંભ વધી જાય 
વાત ન પચે તો ચાડી-ચુગલી વધી જાય 
પ્રસંશા ન પચે તો અહંકાર વધી જાય 
નિંદા ન પચે તો દુશ્મની વધતી જાય 
દુ:ખ ન પચે તો નિરાશા વધતી જાય 
સુખ ન પચે તો પાપ વધતાં જાય 

સાર :- જે સમયે જે મળે તેને પચાવીને જીવન જીવવું એ જ સર્વશ્રેષ્ઠ ઉપાય છે. જ્યારે જે મળે તેની સામે કયારેય પ્રશ્ન ઉભા ન કરવા કે તેનાથી ક્યારેય નિરાશ ન થવું. જે મળે તેને ઈશ્વરના આશીર્વાદ સમજીને સ્વીકારીને જીવનમાં આગળ વધતાં રહેવું એ જ સાચો માર્ગ છે. 

ચોથો નિયમ
------------------
એક જ કેરી છે. એના જ બે ટુકડા કરો. એક ટુકડાને ખાંડની ચાસણીમાં અને બીજા ટુકડાને મીઠું લગાવીને મુકી દો. થોડા દિવસ પછી ખાંડની ચાસણીમાં જે ટુકડો છે તે મુરબ્બો બની જશે જ્યારે જેના ઉપર મીઠું લગાવ્યું હતું તે અથાણાંનો ભાગ બની જશે. એક જ કેરીના બે ટુકડા એક મીઠાશ આપશે તો બીજો ખટાશ આપશે. 

સાર :- તમે જેવા બનવા માંગતા હો તેવા માહોલમાં તમારે રહેવું જોઈએ. કારણ કે તમારા વિકાસ ઉપર તમારી આજુબાજુનો માહોલ બહુ જ અસર કરતો હોય છે.

પ્રકૃતિના નિયમો




Also, Join my Telegram channel with the below link

Also, join my Whatsapp group with the below link